Tuesday, July 31, 2012

ફોર્ડ : કારની દુનિયામાં કામણ (ટોપ ટેન)



Jul 28, 2012
Top 10  - રશ્મિન શાહ
વિખ્યાત 'ફોર્બ્સ' મેગેઝિન દ્વારા થયેલા 'વર્લ્ડ્સ બેસ્ટ બ્રાન્ડ'ના સર્વેમાં કાર બનાવતી કંપની ફોર્ડને ત્રીજો ક્રમાંક મળ્યો હતો. ગયા વર્ષે આ સર્વે થયો ત્યારે ખબર પડી કે દુનિયામાં રહેતી દર દસમાંથી ૬.૫ વ્યક્તિઓ આ બ્રાન્ડ વિશે જાણે છે! કંપનીના સ્થાપક હેન્રી ફોર્ડ હંમેશાં કહેતા કે, "જે સમયે કોઈ પ્રોડક્ટને બદલે લોકોને તમારી કંપની કે બ્રાન્ડનું નામ યાદ આવી જાય એ મિનિટે ધારી લેવું કે હવે તમે સફળતાના ટ્રેક પર છો." ફોર્ડ મોટર્સ સાથે એવું જ થયું છે.
૧૯૦૨માં જ્યારે ફોર્ડની શરૂઆત થઈ ત્યારે એ કંપની નહોતી પણ ભાગીદારી પેઢી હતી, જે ૧૧ ઇન્વેસ્ટર્સ સાથે ૧૬ જૂન, ૧૯૦૩ના રોજ કંપની તરીકે ઇન્કોર્પોરેટ થઈ હતી. ફોર્ડનું હેડક્વાર્ટર અમેરિકાના ડેટ્રોઇલ સિટીમાં આવેલું છે, પણ કંપની અમેરિકા ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન અને ભારત સહિત દુનિયાના ચૌદ દેશોમાં કુલ બાવીસ પ્લાન્ટ ધરાવે છે, જે દરરોજ વીસ હજાર કાર બનાવીને રસ્તા પર મૂકે છે. આજે દુનિયાની દરેક બારમી વ્યક્તિ પાસે ફોર્ડની કાર છે. આ જ્વલંત સફળતાને કારણે જ કંપનીએ અન્ય કોઈ ઇન્ડસ્ટ્રીમાં ઝુકાવ્યું નથી. ફોર્ડ હાલ ઓટો-પ્રોડક્શન અને ઓટો-ફાઇનાન્સ એમ બે જ ક્ષેત્રમાં એક્ટિવ છે. હેન્રી ફોર્ડે પહેલેથી જ કંપનીનો સિદ્ધાંત બનાવ્યો હતો કે જે ક્ષેત્રમાં માસ્ટરી હોય એ ક્ષેત્રમાં જ પૂર્ણપણે શક્તિ લગાવવામાં આવે તો ક્યારેય પીછેહઠ કરવી પડતી નથી.
પ્રારંભિક સફળતા
પ્રખર વિજ્ઞાની જેવું મિકેનિકલ દિમાગ ધરાવનારા હેન્રી ફોર્ડે વારસામાં મળેલી મિલકતમાંથી કાર બનાવતી કંપની સ્થાપી. કંપનીની શરૂઆત કર્યા પછી હેન્રી ફોર્ડે કુલ ૧૬૨ પેટન્ટ્સ રજિસ્ટર કરાવી હતી. હેન્રી ફોર્ડે સૌથી પહેલાં ફેમિલી કારનો આઈડિયા આ જગતને આપ્યો હતો અને એ આઈડિયા આપ્યા પછી તેમણે ટેમ્પો, મિની બસ અને ટ્રકનો આઈડિયા જનરેટ કર્યો હતા. ફોર્ડ કંપનીને શરૂઆતમાં જબરદસ્ત સફળતા મળી હતી. ફોર્ડની ઇચ્છા સમગ્ર વર્લ્ડની કાર ઇન્ડસ્ટ્રી પર રાજ કરવાની હતી. પણ ૧૯૪૭માં ૮૩ વર્ષની વયે ફોર્ડનું મૃત્યુ થયું. કંપનીની કમાન તેમના પૌત્રએ સંભાળી હતી.
મંદીનો સામનો
કંપનીની શરૂઆત પછી પહેલી વાર ૧૯૨૦-૨૧માં કટોકટીનો સામનો કરવો પડયો હતો. ત્યારે પહેલા વિશ્વયુદ્ધને કારણે જગતભરમાં મંદી આવી. અમેરિકામાં વ્યક્તિદીઠ આવકમાં ૩૪ ટકાનો મોટો ઘટાડો થયો. સ્વાભાવિક છે કે ત્યારે પહેલો કાપ લક્ઝરી ચીજો પર આવે, એને કારણે માંડ ઊભી થઈ રહેલી ફોર્ડ કંપનીની હાલત કફોડી થઈ ગઈ. મંદીમાં પણ કંપનીનું વેચાણ અને આવક ટકાવી રાખવા માટે કંપનીએ માર્કેટ રેટ કરતાં લગભગ ૫૫ ટકા જેટલો ભાવ ઘટાડી નાખ્યો. આ ૫૫ ટકા કવરઅપ કરવા માટે કંપનીએ કરકસર શરૂ કરી, જે સ્પેરપાર્ટ્સથી માંડીને ઓફિસ મેનેજમેન્ટ સુધી દેખાતી હતી. એ સમયે કંપનીની ઓફિસમાં બોલપેનને બદલે પેન્સિલનો વપરાશ શરૂ થયો! કંપનીના મેનેજમેન્ટ અને વર્કર્સે સ્વૈચ્છિકપણે પોતાના પગારમાં ૪૦ ટકાનો કાપ સ્વીકાર્યો હતો. ખુદ હેન્રી ફોર્ડ સહિતના બધા જ કર્મચારીઓએ પર્સનલ વ્હિકલ વાપરવાનું બંધ કરીને કંપનીની બસમાં જ આવ-જા કરવાનું શરૂ કર્યું. ખુદ હેન્રી ફોર્ડ પણ કંપનીની બસમાં જ ઓફિસે આવતા અને ઘરે જતા. ૧૯૨૩માં કંપનીએ જ્યારે બેલેન્સસિટ ચેક કરી ત્યારે તેમાં ચોખ્ખો નફો છ મિલિયન ડોલરનો હતો!
એક દિવસ અચાનક
ફોર્ડ કંપનીના સ્થાપક હેન્રી ફોર્ડની ઇચ્છા કાર વર્લ્ડ પર છવાઈ જવાની હતી. એને ધ્યાનમાં રાખીને ફોર્ડ કંપનીએ ૧૯૯૦થી ટેકઓવરની નીતિ અપનાવી,જે અંતર્ગત ૧૯૯૦માં મઝદા, ૧૯૯૩માં જેગુઆર, ૧૯૯૪માં લેન્ડ રોઅર અને ૧૯૯૫માં વોલ્વો ટેકઓવર કરી, જેણે કાર ઇન્ડસ્ટ્રીમાં હાહાકાર મચાવી દીધો હતો. ફોર્ડે આ ચારેય બ્રાન્ડને ડેવલપ કરવા માટે ૧.૫ બિલિયન ડોલરનો ખર્ચ કર્યો. આ કંપનીઓને ફરીથી ઊભી કરવા માટે પણ લગભગ અઢી બિલિયન ડોલર કંપનીએ ખર્ચવા પડયા. ટેકઓવર કરેલી કંપનીનાં દેણાં મોટા હતાં. આ બધા ખર્ચાઓ પછી પણ ફોર્ડને નિષ્ફળતા જ મળી. જેથી ફોર્ડને મોટી ખોટ ગઈ. મેનેજમેન્ટમાં પણ મોડલ વગેરે મુદ્દે નીતિવિષયક બાબતોમાં મતભેદો સર્જાયા. વળી, ટેકઓવર કરેલી કંપનીઓના વર્કર્સનો વિરોધ પણ શરૂ થયો,તેઓ નવા મેનેજમેન્ટ પાસે ફોર્ડની સરખામણીનો પગાર અને ભથ્થાં માગી રહ્યાં હતાં. ટેકઓવર કરેલી કંપનીઓ સાથે સંકળાયેલી બીજી કંપનીઓ, બેન્કર્સ અને ફાઇનાન્સિયલ કંપનીઓએ ફોર્ડ પર અઢળક કેસ પણ કર્યા. ફોર્ડને મર્જર પચ્યાં નહીં. વર્ષ ૨૦૦૦ પછી તો ફોર્ડ મોટર લિમિટેડના શેરના ભાવ કંપનીના હિસ્ટ્રીમાં પહેલી વખત ઘટયા અને એ પણ ૭૨ ટકા જેટલા. એક તબક્કે એવી હાલત થઈ ગઈ કે જેગુઆર, લેન્ડ રોવર અને વોલ્વોને કારણે ફોર્ડ પણ ફડચામાં જાય અને કંપની બંધ કરી દેવી પડે એવા સંજોગો પેદા થયા. લગભગ દસથી વધારે વર્ષ સુધી અનેક સમસ્યાઓમાં અટવાતા રહ્યા પછી આખરે કંપની મેનેજમેન્ટે નક્કી કર્યું કે લેન્ડરોવર, વોલ્વો અને જેગુઆરમાંથી સ્ટેક વેચી નાખવો. ૨૦૦૮માં પહેલા જેગુઆર અને લેન્ડરોવર વેચી નાખી, જે ઇન્ડિયન ટાટા મોટર્સે ખરીદી ને ૨૦૧૦માં વોલ્વો આપી દેવામાં આવી. આ બંને સોદાઓ સાથે ફોર્ડની આબરૂને પણ અસર થઈ. જોકે, આ બધા સોદાઓમાંથી એક શીખ એ મળી હતી કે, બીજાનાં બાળકો રમાડવા કરતાં પોતાનાં બાળકોને પ્રેમ આપવો વધુ સારો. ટેકઓવર કરી લીધેલી કંપનીઓનો કારભાર ઓછો કર્યા પછી ફોર્ડે કારમાં અલગ-અલગ ચાર નવાં મોડેલ મૂક્યાં, જેની સાથે કંપની પાસે અત્યારે કારમાં કુલ બાવીસ મોડલ છે, જે પૈકીનાં સાત મોડેલ હોટ-કેક ગણવામાં આવે છે. આમ, કંપનીએ અનેક ઉતાર-ચડાવ જોયા છે. છતાં કયારેય પોતાની પ્રતિષ્ઠા ડગવા દીધી નથી.
 ફેક્ટસ એન્ડ ફિગર્સ
સ્થાપનાઃ ૧૬મી જૂન, ૧૯૦૩
આવક (૨૦૧૧-૧૨): ૧૩૬.૨૬ બિલિયન ડોલર
નફો(૨૦૧૧-૧૨): ૨૦.૨૧ બિલિયન ડોલર
મિલકત(૨૦૧૧-૧૨): ૧૩૮.૭૫ બિલિયન ડોલર
કુલ સ્ટાફઃ ૧,૬૪,૦૦૦
કુલ પ્લાન્ટઃ ૧૪ દેશોમાં ૨૨ પ્લાન્ટ્સ
કુલ કારનું વેચાણઃ ૪,૫૦,૦૦,૦૦૦
કારનું વેચાણ (વાર્ષિક): અંદાજે ૭,૦૦,૦૦૦
કુલ મોડલઃ ૨૨ (હાલ અમેરિકામાં)
હેન્રી ફોર્ડનાં ક્વોટ્સ
* વાંધાઓ ન કાઢો, ઉકેલો શોધો, ફરિયાદ તો કોઈ પણ કરી શકે છે.
* જે વ્યક્તિ શીખવાનું બંધ કરે છે એ વૃદ્ધ છે, પછી તે વીસ વર્ષનો હોય કે એશી વર્ષની. જે વ્યક્તિ શીખવાનું ચાલુ રાખે છે તે યુવાન રહે છે.
* સાચી ભૂલ તો એને કહેવાય, જેમાંથી આપણને કશું શીખવા ન મળે.
* નિષ્ફળતા એ ફરીથી વધુ બુદ્ધિશક્તિ અને સમજ સાથે શરૂ કરવાની તક છે.
* મારો શ્રેષ્ઠ મિત્ર એ છે, જે મારામાંથી શ્રેષ્ઠ બહાર કાઢી આપે.
* જે દિવસે કામ કરવાનો મૂડ ન હોય એ દિવસે નવાં કામોના વિચારો કરવાનો મૂડ બનાવો.
લોગોની કહાણી
હેન્રી ફોર્ડે પોતાની આ કંપની પોતાના લાસ્ટ-નેમ એટલે કે અટકથી શરૂ કરી હતી પણ એની પાછળ એક નાનકડી સ્ટોરી છે. હેન્રી ઇચ્છતા હતા કે કંપની સાથે સંકળાયેલા બધા કર્મચારીઓ જ્યારે ફેક્ટરીમાં આવે ત્યારે પોતાના અલગ-અલગ ધર્મ બહાર મૂકીને આવે અને અંદર કામ કરે ત્યારે 'ફોર્ડ' ફેમિલીના મેમ્બર બનીને કામ કરે. આ જ કારણે તેણે કંપનીના ડ્રેસમાં જમણી બાજુએ 'ફોર્ડ'ની એમ્બ્રોઇડરી હોય એ પ્રકારનો કોસ્ચ્યુમ બનાવડાવ્યો હતો, જે આજે પણ અકબંધ છે. ફોર્ડ નામ રાખવા પાછળનો એક હેતુ એવો પણ હતો કે જે કારને કંપનીના માલિકોએ પોતાનું નામ આપ્યું છે એ કાર સ્વાભાવિકપણે માલિકોના ટેસ્ટની હોય. જો હેન્રી ફોર્ડની સિગ્નેચર જોવા મળે તો ચેક કરજો, ફોર્ડ કંપનીનો લોગો અને ફોર્ડની સિગ્નેચરમાં પણ સામ્યતા છે.