વોશિંગ્ટન, તા. ૨૭
- કારમાં કેમેરા, જીપીએસ અને રડાર સિસ્ટમ ફિટ કરાશે
- અમેરિકાની જનરલ મોટરકાર ઉત્પાદનના અંતિમ તબક્કામાં પહોંચી
અમેરિકાની એક કાર ઉત્પાદક કંપની ડ્રાઇવર રહિત અને અકસ્માત ફ્રી કાર બનાવી રહી છે. આ કાર ૨૦૧૫ સુધીમાં તૈયાર થઈ જાય તેવી શક્યતા છે.
અમેરિકાની જનરલ મોટરકાર આ કારનાં નિર્માણના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. સેમીઓટોનોમસ ગણાતી કાર હાઈવે પર તેની નક્કી કરેલી લેનમાં જ ચાલશે, રસ્તામાં રહેતા ભય સ્થાનોથી દૂર રહેશે. કારમાં વિકસાવવામાં આવી રહેલી ટેક્નોલોજી પ્રમાણે તેની બ્રેક પણ સ્વયંસંચાલિત હશે. જ્યારે જરૃર પડશે ત્યારે કાર આપમેળે બ્રેક લગાવશે. આ કાર સંપૂર્ણ રીતે સ્વયંસંચાલિત હશે અને આ કારમાં અકસ્માત થવાની શક્યતાઓ ઘણી ઓછી હશે. જ્યાર્જ જેસ્ટનની ટેલિવિઝન સિરીઝમાં જોવા મળેલી ડ્રાઇવર રહિત અને ઉડતી કારને જોઈ ત્યારથી જ કાર ઉત્પાદકનું સ્વપ્ન હતું કે આવી કાર બનાવવી અને તે હવે માત્ર એક વર્ષ દૂર છે. કારનું સ્ટેયરિંગ અને તેની સ્પીડ ઓટોમેટિક કન્ટ્રોલ થશે. વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો અનુસાર કાર ઓટોમેટિક ડ્રાઇવ થશે. કારમાં રડાર સિસ્ટમ, કેમેરા અને જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી છે.