Monday, December 26, 2011

૨૮ વર્ષથી રૂઆબભેર દોડતી બાઈક કાવાસાકી (ઓટો-વર્લ્ડ)



ઓટો-વર્લ્ડ - હિતેશ જોષી
નિન્જા! જો તમે બાઈકના દીવાના હો તો આ નામ તમારાથી ભાગ્યે જ અજાણ્યું હોય. ઓટો વર્લ્ડના ઇતિહાસમાં અમુક કંપનીઓ સો-દોઢસો વર્ષથી મચી પડેલી હોય અને છતાં તેનાં મોડલ્સ એટલાં બધાં હિટ ન જાય જેટલાં નવી-સવી કંપની ચાલીસ-પચાસ વર્ષોમાં પોતાના નામે નોંધાવે એવું બને,તેનું કારણ એક જ છે કે લોકોને શાનદાર, જાનદાર અને બધી રીતે દિલને જચી જાય એવું મોડલ ખપે. આવું જ એક મોડલ એટલે કાવાસાકી નિન્જા.
કંપનીના નામ કરતાં મોડલના નામથી બાઈક વધારે લોકપ્રિય થાય એવા બનાવ ઓછા બને અને નિન્જા એમાંનું એક મોડલ છે, જે પૂરાં ૨૮ વર્ષથી એટલે કે ૧૯૮૪થી બાઇકની દુનિયામાં કાવાસાકીને રૂઆબભેર દોડાવે છે. આવી શાનદાર બાઈકની કંપની કાવાસાકીના સ્થાપક શોઝો કાવાસાકીનો જન્મ ૧૮૩૭માં જાપાનના કાગોશીમામાં થયેલો. વારસામાં બેશુમાર દૌલત અને ધીકતો ધંધો મળેલો. ૧૭ વર્ષની વયે તો એ વ્યાપાર કરતા શીખી ગયેલો. ૨૭ વર્ષની ઉંમરે તેણે પોતાની શિપિંગ કંપની સ્થાપી, પરંતુ મધદરિયે એનું એક શિપ ડૂબી ગયું અને ધંધામાં ખોટ આવી પડી તો એ ધંધો સમેટી એણે એન્જિન, સ્ટીલશિપ, એરક્રાફ્ટનાં ઉત્પાદનોમાં ઝંપલાવ્યું અને બાદમાં કાવાસાકી કંપની એક વિશાળ કંપની બની જે કેટલીયે ચીજોનું ઉત્પાદન કરવા લાગી હતી.
એ સમયગાળો એ અરસાનો હતો જ્યારે અન્ય જાપાનીઝ મોટરસાઇકલ કંપનીઓ પોતાના ઉમદા બાઈક્સનું વિશ્વભરમાં જબ્બર વેચાણ કરી રહી હતી તેથી કાવાસાકી પણ મોટરસાઇકલ બનાવવા તરફ ખેંચાણી. અને ૧૯૫૬માં તેણે પોતાનું પહેલું મોડલ મિહાત્સુ બનાવ્યું પણ બાઈકમાં કાંઈ જ ભલીવાર ન હોવાથી એની નોંધ કશે લેવાઈ નહીં. કાવાસાકીએ પછી જાપાનની જ એક જૂની બાઇક કંપની મેરૂગોને હસ્તગત કરી જેથી એના અનુભવનો લાભ કાવાસાકીને મળે અને બાઈક હિટ થાય. ૧૯૬૨માં મેરૂગો થકી કાવાસાકીની પહેલી બાઈક બની B8 જે 125cc ટુ સ્ટ્રોક એન્જિન ધરાવતી હતી, પરંતુ ગાડી વજનમાં હાથી જેવી અને ચાલવામાં કાચબા જેવી હોવાથી નિષ્ફળ ગઈ. ફરી પ્રયાસ શરૂ થયા ને 250cc સામુરાઈ અને ૩૫૦ cc એવેન્જર નામનાં મોડલ આવ્યાં. ફરી આ બંને હીરાઓ પણ ડેલીએ હાથ દઈને પાછા ફર્યા જેવો ઘાટ થયો અને માર્કેટમાં ચાલ્યાં નહીં. ૧૯૬૯માં કાવાસાકીએ હેવી બાઈક પર હાથ અજમાવ્યો અને 500ccનું H-1 મોડલ આવ્યું જે થોડું ઘણું ચાલ્યું ખરું, પરંતુ ત્યારે માહોલ એવો કે જો કંપની હિટ કરવી હોય તો બાઈક અમેરિકન્સને ગમવી જોઈએ અને અમેરિકા, યુરોપમાં ચાલવી જોઈએ. આ ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને ૧૯૭૩માં જે ઢ-૧ નામનું મોડલ લોન્ચ થયું એણે કાવાસાકીની સફળતાનાં દ્વાર ખોલી નાખ્યાં. આ મોડલ અમેરિકા, યુરોપમાં ધૂમ વેચાયું.
એ પછી કાવાસાકીએ બજારની નાડ જાણે બરાબરની પારખી હોય એમ અફલાતૂન બાઈક્સનું ઉત્પાદન શરૂ કર્યું. એક પછી એક મોડલ સફળ થયાં, પરંતુ કાવાસાકીએ બાઈકના જુગારમાં હુકમના એક્કા જેવું જે પત્તું ફેંકીને બાજી મારી લીધી એ હતું ૧૯૮૪નું મોડલ GP-2900-R. ૧૬ વાલ્વ અને ચાર સિલિન્ડરનું એ બાઈક આખી દુનિયામાં છવાઈ ગયું. કાવાસાકીને રાતોરાત એણે દેમાર સ્પીડે પહોંચાડી મૂકી. એ વર્ષથી માંડી બીજાં કેટલાંયે વર્ષો સુધી એણે સૌથી ઝડપી બાઈકનો ખિતાબ ભોગવ્યો તો દુનિયાના દરેક મેગેઝિને એને ‘બાઈક ઓફ ધ યર’ જાહેર કર્યું. એ મોડલ એટલે જ આજનું મોસ્ટ ફેમસ ‘નિન્જા’. ત્યારથી માંડી આજ સુધી એનાં અસંખ્ય મોડલ લોન્ચ થયાં અને દરેક સફળ પણ રહ્યાં. એ પછી ‘નિન્જા’ જાણએ કાવાસાકીની પહેચાન બની ગયું.
નિન્જા સિવાયનાં અન્ય મોડલ પણ ચાલ્યાં અને ઝડપી મોડલ્સ વડે કાવાસાકીએ રેસિંગમાં પણ ઝુકાવ્યું અને કેટલીયે ચેમ્પિયનશિપ પણ અંકે કરી બતાવી. ઓટો વર્લ્ડમાં સારી એવી નામના મેળવવા સાથે કાવાસાકી મોટી કંપની તરીકે પણ ઉભરી આવી અને આજે આ નામ ગૌરવવંતું ગણાય છે, પરંતુ કાવાસાકીએ જે રીતની પછડાટો ખાધી એની જગ્યાએ અન્ય કંપની હોય તો શાયદ તાળાં જ લાગી ચૂક્યાં હોત પણ અન્ય કેટલીયે કંપનીઓ ચલાવતી કાવાસાકી માટે મોટરસાઈકલ ઉત્પાદન ઘાસની ગંજીમાં સોય સમાન હતું અને કાવાસાકી ટકી શકી ક્યું કી યે પૈસા બોલતા હૈ!
એક્સીલેટર
* ભારતમાં તાજેતરમાં નિન્જા ૬૫૦-ઇ લોન્ચ થયું. 649 cc, ૪ સ્ટ્રોક, કિંમત ૪.૫૭ લાખ.
* ૧૯૭૮ના મોડલ KZI-300નું એન્જિન જોયું હોય તો ચક્કર આવી જાય. જેનાં છ સાઈલેન્સર નાળચા છ સિલિન્ડર સાથે જોડાયેલાં હતાં અને એ દરવાજા વગરની કાર તરીકે જાણીતું થયેલું.
* ૯૦ના દશકનું ZZR-1100 મોડલ સૌથી ફાસ્ટેસ્ટ મોડલ હતું.
* H સિરીઝ, K સિરીઝ, KR સિરીઝ અને નિન્જા સિરીઝની બાઈક્સ મહત્તમ સફળ રહી.
* કાવાસાકી ૧૯૮૬થી ભારતમાં વેચાણ કરે છે.

No comments:

Post a Comment